બાળકોને ઉછેરવા માટે અને સમજવા માટે ઘણાં પુસ્તકો લખાયાં છે. (કારણ કે પુસ્તક લખનાર પુખ્ત ઉંમરના જ હોય છે.) પણ મોટેરાંઓને સમજવા માટે કોઈ બાળક પુસ્તક લખે તે નવાઈ લાગે તેવું જેનિફર ઓસ્લી નામની અગિયાર વર્ષની છોકરીએ લખેલંુ ‘એ હેન્ડી ગાઈડ ટુ અન્ડરસ્ટેન્ડ ગ્રોન અપ્સ’- વડીલો ને સમજવા માટેની માર્ગર્દિશકા- આવું જ એક પુસ્તક છે. પુસ્તક જૂનું છે પણ તેમાંના વિચારો, ડહાપણ , કટાક્ષ જરાય જૂનાં થયાં નથી. સમય સાથે કેટલાંક સંદર્ભો બદલાયા છે અને કેટલીક વિગતો જૂની બની ગઈ છે. અમેરિકા અને આપણા સમાજના ઢાંચામાં પણ ઘણો ફેર છે છતાં બાળક ગમે ત્યાં બાળક જ છે અને મોટેરાંઓ સાથેનો તેનો સંબંધ પણ લગભગ બધે સરખો જ રહ્યો છે તેમ લાગે છે. પુસ્તકમાં આપેલ કેેટલીક વાતો આજે પણ ચોટદાર લાગે તેવી છે. તેને થોડા ફેરફાર સાથે જોઈએ.
જેનિફર તેની શૈલીમાં બાળકોને લખે છેઃ
વહાલાં બાળકો,
તમે તમારાં વડીલોને અને મોટેરાંઓને બરાબર સમજી શકો અને તેમની સાથેનો તમારો સંબંધ યોગ્ય રીતે નિભાવી શકો એટલા માટે આ પુસ્તક મેં લખેલ છે.
આ દુનિયા મોટેરાંઓની છે અને આજે તે જેવી દેખાય છે તેવી તેમણે જ તેને બનાવી છે. જો તમારે તેમની દુનિયામાં જીવવું હોય તો તેમને સમજવાની જરૃર છે. અને જેમ જેમ તમે તેમને સમજતા જશો તેમ તમને લાગશે કે, દરેક પુખ્ત ઉંમરની વ્યક્તિ બીજી વ્યક્તિથી તદ્દન ભિન્ન હોય છે એટલું જ નહીં વધારે અક્કડ પણ હોય છે. તેઓ દરેક નવી વાત શીખવા માટે આતુર હોવાનો દેખાવ તો કરે છે પણ શીખતા ક્યારેય નથી. આપણામાં (બાળકોમાં) અને તેમનામાં આ તફાવત છે.
દરેક બાળક સૌથી પહેલાં પોતાનાં માતા-પિતાના સંપર્કમાં આવે છે અને તેમના વિશે જાણકારી મેળવે છે એટલે હું તમને મારાં માતાપિતા વિષે થોડી વાતો કરંુ.
કોઈ પણ માતા કે પિતા ક્યારે શું કરશે અને કઈ રીતે વર્તશે તે તેના બાળક માટે એક કોયડો હોય છે. બાળક જમવાના ટેબલ ઉપર બેસે એટલે જમવા માંડશે, પણ માતા કે પિતા માટે એવું કોઈ બંધન હોતું નથી. તેઓ પહેલાં કે પછી કે વચ્ચે, ગમે ત્યારે બીજા કામ માટે ઊભાં થઈ શકે છે. મારી મમ્મીનું પણ એવું જ છે, તે જ્યાં સુધી અમુક વાત બોલે નહીં કે અમુક રીતે વર્તે નહીં ત્યાં સુધી તે શું બોલશેે કે કરશે તે જાણી શકાતું નથી.
એના વિષે થોડું વધુ લખું. જો તેને અચાનક ઈચ્છા થઈ જાય તો મકાન સાફસૂફ કરવા માંડે અથવા તો ર્ફિનચર ફેરવી નાખે. તેને ઇચ્છા થાય તો સવારે, બપોરે, રાત્રે, ગમે ત્યારે કપડાં ધોવાનું મશીન ચાલુ કરી દે છે. આપણે તેમ કરી શકીએ નહીં. આપણા માટે નિયમો હોય છે. વડીલો માટે નિયમો હોતા નથી. મા જો થાકી જાય તો ગમે તેને ધમકાવી નાખે કે ગમે તે કામ કરવાની આજ્ઞા કરી નાખે, તે ન થાકે તેમાં જ આપણું, બાળકોનું હિત હોય છે.
છતાં, દરેક માતા થાકી જવા માટે તનતોડ પ્રયત્ન કરતી હોય છે. મારી બહેનપણીની બા પણ એમ જ કરતી હોય છે.
મારા પિતા મારી સાથે ખાસ રહેતા નથી. તેમની સાથે રહેવું મને ગમે છે, પણ મોટા ભાગે તેઓ બહાર જ હોય છે.
આપણાં બીજાં સગાંવહાલાં, કાકા, કાકી, ફોઈ, દાદા, દાદી, બધાં બહુ મઝાના હોય છે છતાં કેટલાકની સાથે વર્તવામાં આપણે બહુ સાવચેતી રાખવી પડે છે. ધારો કે, તમારા કાકાનો દીકરો તમારા કરતાં નાનો છે. તેને તમે હીંચકા ઉપર વધારે નહીં બેસવા દો તો તરત જ તે તમારી વિરુદ્ધ ફરિયાદ કરશે અને કાકી તમને નાના છોકરાને હેરાન કરવા બદલ ઠપકો આપશે, પણ ધારો કે તમારા બીજા કાકાનો દીકરો કે દીકરી તમારા કરતાં મોટાં હોય અને તમને સાઇકલ ઉપર ન બેસાડે તો કાકી તમને સાઇકલ પડી જવાની બીક બતાવીને ખોટી જિદ્દ નહીં કરવાની સલાહ આપશે . આવા સંજોગોમાં તમારે બહુ સાવચેતી રાખવી જોઈએ અને તમારા ઝઘડા મોટેરાંઓ પાસે લઈ જવાના બદલે અંદરો અંદર જ પતાવી લેવી જોઈએ. મોટેરાંઓ પાસેથી ક્યારેય નિષ્પક્ષ ન્યાયની આશા રાખશો નહીં. કહે છે કે એમની કોર્ટો પણ એવી જ હોય છે. જોકે હું એ બાબતમાં કશું જાણતી નથી.
દાદા-દાદીની વાત જુદી છે. એક રીતે તેઓ માતા-પિતા કરતાં વધારે જડ અને અક્કડ હોય છે. કાયમ તેઓ થાકેલાં જ હોય છે. અવાજ તો જરાય સહન કરી શકતાં નથી, પણ તેમની પાસે વાતોનો ખજાનો હોય છે અને તમારાં માતા- પિતા કરતાં સમય પણ ઘણો વધારે હોય છે. અને ખાસ તો, તમારાં માતા-પિતા જો તમારા ઉપર ગુસ્સે થાય તો તેઓ સદાય તમારો જ પક્ષ લે છે. બધી રીતે જોતાં મોટી ઉંમરના માણસોમાં દાદા-દાદી બાળકોના ઉત્તમ મિત્રો છે.
ક્યારેક કુટુંબમાં જો તમારા વિષે વાત નીકળે અને તમને સુધારવા કે ભણાવવા માટે કે તમારા ભલા માટે ચર્ચાઓ થાય તો તેમાં ભૂલેચૂકેય ભાગ લેશો નહીં, વડીલો ભલે ચર્ચાઓ કરે. નિયમોની કે શિસ્તની વાત સાંભળીને જરાય ડરવાની જરૃર નથી, કારણ કે કોઈ બાબતમાં ક્યારેય તેઓ સર્વસંમત નિયમો ઘડી શકશે નહીં. હા તમે જો વચ્ચે અભિપ્રાય આપશો કે ચર્ચામાં ભાગ લેશો, તો બધાં તમારા ઉપર ઉતરી પડશે અને તમે હેરાન હેરાન થઈ જશો. એટલે સારામાં સારો માર્ગ એ છે કે મૂંગા રહેવું.
શિક્ષકો બાબતમાં પણ થોડું જાણી લેવું જોઈએ કારણ કે આપણા માટે તેઓ સૌથી ઉપયોગી હોય છે. આપણી જિંદગીનાં ઘણાં વર્ષો આપણે તેમની સાથે ગાળવાના હોય છે.
મોટા ભાગના શિક્ષકોને અમુક વિદ્યાર્થીઓ બહુ ગમતાં હોય છે અને કેટલાંક બિલકુલ ગમતા હોતાં નથી. જે વિદ્યાર્થીઓ તેમનું માથું ખાધા વિના પોતાની મેળે જ અભ્યાસ કર્યા કરે છે અને છતાં તેનો ‘યશ’ શિક્ષકોને આપે છે, તેઓ તેમને બહુ જ ગમે છે, પણ જેમને ભણાવવાની જવાબદારી શિક્ષકો પર આવી પડે છે તેમના ઉપર તેઓ નારાજ રહે છે. તમારે કોઈ એવા શિક્ષક સાથે પનારો પડે તો બહુ મૂંઝાશો નહીં નિભાવી લેજો કારણકે તે માત્ર એકાદ વરસનું જ કામ હોય છે. બીજા વર્ષે બીજા શિક્ષક મળી જાય છે.
પણ જો તમે કોઈ શિક્ષકનાં પ્રિય પાત્ર હો, તો સાવચેતી રાખજો અને બીજા વિદ્યાર્થીઓને તે જાણવા દેશો નહીં નહીં તો તેઓ તમારા વિરોધી થઈ જશે અને શિક્ષકો કરતાં વિરોધીઓ સાથે સારા સંબધો રાખવાનું આપણા માટે હંમેશા સલામતીભર્યું હોય છે.
બાળકો કરતાં મોટેરાંઓ વધારે વાતોડિયાં હોય છે. તમે તમારી મમ્મીની આંગળી પકડી હોય અને તે તેની બહેનપણી સાથે વાત કરતી હોય, તમને જમવા બેસાડીને તે કોઈનો ફોન લેવા ગઈ હોય; તમારી સાથે તમારા પિતા રમતા હોય અને કોઈ પાડોશી મળી જાય, તો બંને કોઈ વાતમાં ઝૂકાવી દે. મોેટેરાંઓને વાતોમાંથી ઉખાડવા તે મજબૂત વૃક્ષને ઉખાડવા કરતાં પણ કપરું કામ છે. છતાં તમારે પ્રયત્ન કરવો જ પડે છે. તેનો સહેલામાં સહેલો રસ્તો છે તેમની વાતોમાં દખલ કરવાનો. તે માટે તમારે શું કરવું? જોરજોરથી બોલવું, અથવા રેડિયો જોરથી વગાડવાનું શરૃ કરવું , અથવા તો ઉપરના મજલે જઈને દોડાદોડી કરવી, અથવા તો ર્ફિનચરની થોડી અદલા બદલી કરવી. મોટા ભાગે તમે સફળ થશો.
તમારે ત્યાં મહેમાનો પણ આવતાં જ હશે. બાળકો માટે મહેમાનો હંમેશા સારા મિત્રો હોય છે. પોતાના ઘેર તેઓ ગમે તે રીતે વર્તતા હોય, પણ બીજાના ઘેર મહેમાન બનીને જનાર વ્યક્તિ બાળકો સાથે બહુ પ્રેમથી વર્તે છે. તેઓ તમારા ઉપર જેટલો પ્રેમ બતાવે છે એટલ પ્રેમ રાખે છે એમ માનશો નહીં પણ તેમની સાથે તમને જરૃર મજા આવશે.
ઘણાં મા- બાપ પોતાનાં બાળકોને વહેલા સૂઈ જવાની શીખામણ આપતાં હોય છે પણ પોતે મોડે સુધી જાગતાં હોય છે. બાળક માટે આ એક કોયડો હોય છે પણ આવા તો ઘણાં કોયડાઓ એને ઉકેલવાના હોય છે. એક વાત સ્પષ્ટ છે કે, મોટી ઉંમરના માણસો દરેક બાબતમાં પ્રામાણિક હોતા નથી.
ધર્મની વાત કરીએ, તો લગભગ દરેક પ્રસંગે તેઓ ઈશ્વરની ને ધર્મની ગૂઢ વાતો કરતાં હોય છે પણ તેમાં બાળકો કરતાં તેઓ જરાય વધારે સમજતાં હોય એમ હું માનતી નથી.
તેમને સૌથી વિશેષ રસ પૈસામાં હોય છે. કોઈ પણ પખ્ત ઉંમરની વ્યક્તિ વિષે જાણવાની તમને ઈચ્છા હોય તો પૈસા વિષે તે શું વિચારે છે તે તમારે જાણવું જોઈએ.
ઘણા વડીલો પોતાનાં બાળકોને દર મહિને અમુક પૈસા વાપરવા આપતા હોય છે. તેથી બાળકો હિસાબ રાખતાં શીખે એમ તેઓ માનતા હોય છે . તમારા ઘરમાં જો આવી વ્યવસ્થા હોય તો એક વાતનું ખાસ ધ્યાન રાખજો. ક્યારેય વધારે પૈસા માંગશો નહીં, નહીં તો અનેક પ્રકારના સવાલ- જવાબની અને બીજી મુસીબતોમાં ફસાઈ જશો. પૈસા બાબતમાં વડીલો ગમે ત્યારે પોતાનો મિજાજ ગુમાવી બેસે છે.
કેટલાંક માબાપ પોતાને ઈચ્છા પડે ત્યારે બાળકોને પૈસા વાપરવા આપતાં હોય છે. તેમને કાંઈક લાભ થયો હોય અથવા તો તેઓ આનંદમાં હોય ત્યારે તરત જ બાળકોના ખોળામાં સિક્કાઓ ફેંકે છે. આમાં બાળકે સતત જાગૃત રહેવું પડે છે. જો તે સારો પ્રસંગ શોધી કાઢે અથવા તો લાડ કરવાનું શીખે તો તેને વધારે પૈસા મળી શકે છે.
માણસની ઉંમર જેમ વધે તેમ પૈસો તેને વધારે મોટો દેખાવા માંડે છે. તમારે ત્યાં કોઈ જુવાન માણસ મહેમાન તરીકે આવશે તો તે તમને દસ-વીસ રૃપિયા હાથમાં આપશે પણ ઘરડાં ડોસા કે ડોસી તમને રૃપિયો બે રૃપિયા હાથમાં આપશે. તેઓ તમને ખૂબ પ્રેમ કરશે. તમે દોડી દોડીને તેમનું કામ કરો તેવી અપેક્ષા પણ રાખશે પણ જુદાં પડતી વખતે તેઓ વધારે રૃપિયા આપી શકશે નહીં.
પૈસા વાપરવાની બાબતમાં એક વાતનો ખાસ ખ્યાલ રાખજો કે તમે ઉડાઉ છો, તેવી છાપ તમારા માબાપ ઉપર પડવા દેશો નહીં કારણ કે પૈસા માટે તેમને રાતના ઉજાગરા કરવા પડતા હોય છે. તેનો હિસાબ લખતાં અને સરવાળા બાદબાકી કરતાં નાકે દમ આવી જતો હોય છે, તે મેં પોતે જોયું છે. જોકે મને સમજાતું નથી કે પૈસા કમાવા કરતાં વધારે મહેનત તેઓ હિસાબ રાખવામાં શા માટે કરતાં હશે. ગમે તેમ પણ પૈસા વાપરવા બાબતમાં આપણે તેમનો ખ્યાલ રાખવો જોઈએ.
મોટા માણસો વિષે બીજી પણ કેટલીક અગત્યની વાતો છે. હું હવે પછી ક્યારેક તમને એ કહીશ.
No comments:
Post a Comment