એક ભણેલો ગણેલો માણસ નદી પાર કરવા માટે હોડીમાં બેઠો. તેને પોતાના અભ્યાસનું અભિમાન હતું. તેણે અભિમાન ભર્યા સ્વરે નાવિકને પૂછ્યું, ‘શું તું વ્યાકરણ ભણ્યો છો?’
નાવિક બોલ્યો, ‘નહિ.’
દંભી વ્યક્તિએ કહ્યું, ‘અફસોસ કે તેં તારું અડધું જીવન વ્યર્થ જ જવા દીધું.’ થોડીવાર પછી ફરી તેણે નાવિકને પૂછ્યું, ‘તેં ઈતિહાસ અને ભૂગોળનો અભ્યાસ કર્યો છે?’
નાવિકે માથું ધુણાવીને ના પાડી.
દંભી બોલ્યો, ‘તો તો તારું સમગ્ર જીવન જ વ્યર્થ છે.’
નાવિકને મનમાં ને મનમાં ઘણો જ ગુસ્સો આવ્યો, પણ તે મૌન રહ્યો.
અચાનક જ જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. હોડી હાલક ડોલક થવા લાગી.
નાવિકે ઊંચા અવાજે તે વ્યક્તિને કહ્યું, ‘મહારાજ, તમને તરતા આવડે છે?’
તે માણસે કહ્યું કે મને તરતા આવડતું નથી.
નાવિકે તરત જ કહ્યું, ‘તો તમારે તમારા ઈતિહાસ, ભૂગોળને મદદ માટે બોલાવવા પડશે, નહિતર તમારું સમગ્ર જીવન બરબાર થવાનું છે, કારણકે હોડી હવે થોડી જ વારમાં ડૂબવાની છે.’ આટલું કહીને નાવિક નદીમાં કૂદી પડ્યો અને તરતો તરતો કિનારા તરફ આગળ વધ્યો.
બોધઃ- વ્યક્તિએ કોઈએક વિદ્યા કે કળામાં પારંગત હોવાનું અભિમાન ન કરવું જેઈએ.
No comments:
Post a Comment