બાળકની કોઇ પણ માગ જીદના સ્વરૂપમાં કયારે પણ પૂરી ના કરવી
ઘણી જૂની કહેવત છે કે બાળહઠ, રાજહઠ અને સ્ત્રીહઠ આગળ કોઇનું ના ચાલે। રાજાઓ તો હવે છે નહીં, સ્ત્રીહઠ અંગે આપણે કાંઇ કહેવું નથી પણ ચર્ચા કરીશું આપણે બાળહઠની.
મોટાભાગનાં માબાપ કે બાળકો મારી પાસે આવે ત્યારે સૌ કોઇની સામાન્ય ફરિયાદ એ જ હોય છે કે ‘બહુ જિદ્દી છે।’ એમનું કાઉન્સેલિંગ કરતાં કહેવું પડે કે બધા જ બાળકો જિદ્દી હોય છે. જેમ જેમ બાળકમાં સમજશકિત આવે તેમ જીદ આવવી એ નોર્મલ વસ્તુ છે.હા, એ જીદ હદથી વધી જાય અને રોજ-બ-રોજની જિંદગીમાં ખૂબ અવરોધ ઊભા કરે ત્યારે તેનો ઇલાજ કરવો જોઇએ. હું હંમેશાં કહેતો આવ્યો છું કે જીદની કોઇ દવા ના હોય. બાળક જીદ તો કરવાનાં જ છે, એ માબાપ ઉપર છે કે જીદ કઇ રીતે હેન્ડલ કરવી.
બાળકની કોઇ પણ માગ જીદના સ્વરૂપમાં કયારે પણ પૂરી ના કરવી।
બાળક જયારે જીદ પર ચઢે ત્યારે વાક્યુદ્ધમાં ના ઊતરતા ફકત એટલું જ કહેવું કે જયાં સુધી જીદ છોડી નોર્મલી વાતચીત નહીં કરે ત્યાં સુધી આગળ બોલવામાં નહીં આવે।
બાળક છતાં પણ ના સમજે અને ચીસો પાડવા માંડે, માથા પછાડે, જમીન પર આળોટવા માડે તો એ વખતે એનું માનવાને બદલે એને ઇગ્નોર કરી ત્યાંથી ચાલ્યા જવું।
બાળક રડે કે ઉપર પ્રમાણેનું ખરાબ વર્તન કરે ત્યારે ઘણી વાર માબાપ એના તાબે થઇ જતાં હોય છે કે ભઇ કહ્યું માની લો એટલે કકળાટ બંધ થાય પણ આ જ વસ્તુ બાળકને શીખવે છે કે મારે કાંઇ પણ જોઇતું હોય તો મારે કકળાટ કરવો કે માથા પછાડવા કે જમીન પર આળોટવું એટલે મારી માગ પૂરી થઇ જશે.
જયારે ઘરની એક વ્યકિત બાળકની જીદ ના સંતોષી એને સાચું શિક્ષણ ભવિષ્ય માટે આપતી હોય ત્યારે ઘરના કોઇ પણ વ્યકિતએ એનો વિરોધ ના કરતા બધાએ એક બની બાળકને શિસ્તમાં લાવવું જોઇએ।
કયારે પણ બાળકની સામે ઝઘડો કે ખરાબ શબ્દ ના બોલવા જોઇએ અને હાથ ના ઉપાડવો જોઇએ.
મોટા ભાગનાં બાળકોની જીદ પૂરી કરવાને બદલે જો તેમને દર વખતે પ્રેમથી સમજાવવામાં આવે અને વખતોવખત જીદ વગરની એમની યોગ્ય માગણી પૂરી કરવામાં આવે તો તે ઘરસંસાર શાંતિથી, કકળાટ વગર ચાલી શકે છે.
No comments:
Post a Comment