Thursday, November 20, 2008

શિયાળામાં પરેશાન કરતી શરદી

શિયાળામાં શરદી એ સામાન્ય ફરિયાદ છે. આયુર્વેદમાં શરદીને ‘પ્રતિશ્યાય’ કહેલ છે. આ એક શ્વસનતંત્રનો રોગ છે. જયારે જયારે શરીરમાં રોગપ્રતિકારક શકિત-જીવન શકિત ઓછી થઈ જાય છે, ત્યારે ત્યારે શરદી-સળેખમનો ઉપદ્રવ વધી જાય છે અને ત્યારે નાક ખૂબ હેરાન -પરેશાન કરી મૂકે છે. નાક વારંવાર બંધ થઈ જાય છે, શ્વાસ લેવામાં તકલીફ પડે, નાકમાંથી પાણી ટપકયાં કરે છે, આમ નાક આરોગ્યની દીવાદાંડીનું કામ આપી ચેતવણી આપે છે કે સંભાળો તમારાં ફેફસાં ખૂબ નબળાં છે, રોગપ્રતિકારક શકિત ખૂબ ઘટી રહી છે. શરદી થવાનાં ઘણાં બધાં કારણો છે જેવા કે ધૂળ-રજ આદિનો નાકમાં પ્રવેશ થવાથી-વેગોને રોકવાથી, વધુ બોલવાથી, વધુ પડતા સૂર્ય તાપમાં ફરવાથી, ધુમાડામાં રહેવાથી, ઝાકળમાં ફરવાથી, શોકથી, ક્રોધ કરવાથી, ઋતુ પરિવર્તનથી મસ્તકમાં કફરૂપી દોષ ખૂબ જામી જાય છે ત્યારે વધી ગયેલો વાયુ પ્રતિશ્યાય શરદી સળેખમ ઉત્પન્ન કરે છે.

સારવાર

શરદીના પ્રથમ ચિહ્નના તેમજ તીવ્ર હુમલામાં ગરમપાદ સ્નાન ખૂબ જ ઉપયોગી છે.

સવાર- સાંજ બે વખત ગરમપાણીમાં નીલગિરિનાં પાન અથવા બીજ નાખીને માથે ઓઢી નાસ લેવો જોઈએ.

હળદર અને સૂંઠ નાખેલું ગરમ દૂધ પીવું.

ત્રિભુવન કીર્તિરસ, શંગભષ્મ, ગોદૃન્તીભસ્મ, અભ્રકભસ્મ, વાસાવલેહ, સિતોપલાદી ચૂર્ણ, યષ્ટીમધુ ચૂર્ણ, સુતશેખર રસ વગેરેમાંથી કોઈ એક પ્રતિશ્યાયહર યોગનું આયુર્વેદિક ડોકટરની સલાહ મુજબ સેવન કરવું. સાથોસાથ ષડબિંદુ તેલનું નષ્ય લેવું.

કાયમી શરદી રહેતી હોય તેમણે ખાસ પ્રતિશ્યાયહર યોગની સાથે સાથે નાકમાં ષડબિંદુ તેલ, દિવેલ કોઈ એકનું બંને નસકોરામાં ટીપાં નાખવાં.

પાંચ તુલસીનાં પાન અને બે દાણા મરીના વાટીને ચાવી જવા.

શરીરને ઠંડો પવન લાગવા ન દેવો, ગરમી અથવા તડકામાંથી આવી તરત પંખાની હવા નીચે ના બેસવું. રાત્રિ જાગરણ ના કરવું.

શરદીનાં કારણે માથાનો દુખાવો સતત રહેતો હોય તો પથ્યાદિકવાથ આશીર્વાદરૂપ અકસીર ઇલાજ છે.

આહારમાં ઠંડા પદાર્થો, તીખું, તેલવાળું, કેળા, છાશ, દહીં ના ખાવું. પપૈયાનું શાક, સરગવાની સીંગ, મેથીની ભાજી, સુવાની ભાજી, પરવળ, કારેલાં, દૂધી લઈ શકાય. જયારે પણ તરસ લાગે ત્યારે સૂંઠ નાખીને ઉકાળેલું પાણી જ પીવું.

કાયમી શરદીમાં શરૂઆતમાં ઉપવાસ, વરાળ, સ્નાન, નસ્યકર્મ અને પ્રતિશ્યાય હરયોગોનું વિધિવત્ સેવન કરવાથી મટાડી શકાય છે.

આમ, શરદીનાં લક્ષણો જણાય કે તરત જ ઔષધોપચાર કરી દેવાથી શરદીને કાબૂમાં રાખી શકાય છે

Dr. Prarthana Mehta

No comments:

Post a Comment