Sunday, November 23, 2008

ડાયાબિટીસ - આ મીઠા રોગથી બચીએ

આજે લોકોની દોડધામભરી જિંદગી, તણાવ, બદલાયેલી ખાણીપીણીની શૈલી, બેઠાળુ જીવન, કસરતનો અભાવ, વારસાગત વગેરેના કારણે આખા વિશ્વમાં ડાયાબિટીસથી પીડાતા દર્દીઓની સંખ્યા પ્રતિદિન વધી રહી છે. તેના પરિણામે લોકોમાં જાગૃતિ આવે, અને માર્ગદર્શન મળે તે હેતુથી સમગ્ર વિશ્વમાં ૧૪મી નવેમ્બરના દિવસને વર્લ્ડ ડાયાબિટીસ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે જે લોકો અને ખાસ કરીને બાળકોને ડાયાબિટીસની દવાઓ, ઈન્સ્યુલિનના ઈન્જેક્શન વગેરે પૂરા પાડવામાં આવે છે. આ દિવસે બધા દેશોના આરોગ્યમંત્રીઓની વિશ્વ કક્ષાની એક બેઠકનું આયોજન કરવામાં આવે છે. જેનો હેતુ જે લોકો આ ક્રોનિક રોગથી પીડાતા હોય તેમને મદદરૃપ થવાનો છે.

આજે પરિસ્થિતિ પલટાઈ છે. આખા વિશ્વમાં દરરોજ ૨૦૦ બાળકો ડાયાબિટીસના રોગનો ભોગ બને છે. ભારતમાં પણ ડાયાબિટીસથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો થતો આવ્યો છે. આ અંગે હવે ખાસ કરીને નાના બાળકો- જે પ્રિ-નર્સરી, પ્રિ-સ્કૂલમાં જતાં બાળકો વધુ ભોગ બને છે અને તેની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. આજે ૫૫,૦૦૦ કરતાં પણ વધુ બાળકો આ રોગનો ભોગ બન્યાં છે. જેમાંના મોટાભાગનાં વિકસિત દેશોનાં અને ઓછી તથા મધ્યમ આવકનાં બાળકો ભોગ બને છે. મોટા ભાગના કિસ્સાઓમાં જે બાળકોને ડાયાબિટીસનું નિદાન થાય છે તે થોડા જ વર્ષોમાં મૃત્યુ પામે છે. આ બાબત ઘણી ચિંતાજનક છે. ભારત ઉપરાંત ચીનમાં પણ આ રોગના દર્દીઓની સંખ્યા વધુ છે.

ભારતમાં પણ આશરે ૩.૫૦ કરોડ લોકો ડાયાબિટીસના રોગથી પીડાય છે. ઘણાં તો ભારતને આ રોગનું પાટનગર અથવા તો ડાયાબિટીસનું દ્વાર કહે છે. દેશને પ્રગતિની સાથે સાથે ડાયાબિટીસ પણ ભેટમાં મળી રહ્યો છે કારણ કે સ્ટ્રેસનાં કારણે, મેદસ્વીપણું અને બેઠાળુ જીવનનાં કારણે ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. જે દેશોમાં પ્રગતિ થઈ છે ત્યાં લોકોમાં સ્ટ્રેસ, પ્રમાદીપણું, આળસુપણું, વગેરે વધુ જોવા મળ્યાં છે. લોકોની ખાનપાનની શૈલી બદલાઈ છે. આ બધાની અસરનાં કારણે પણ આ રોગના દર્દીઓની સંખ્યા વધે છે.

લક્ષણો :- આ રોગમાં દર્દીઓને પેશાબ વધુ થવો, વજનમાં ઘટાડો થવો, દર્દીને વધારે થાક લાગે, દર્દીની પીંડી દુઃખે, પગમાં દુઃખાવો થાય, ભૂખ વધુ લાગે, માથું દુઃખવાની ફરિયાદ કરે, આંખોમાં ઝાંખપ આવવી, ધૂંધળુ દેખાવું, નબળી પડવી વગેરે લક્ષણો જોવા મળે છે.

કારણો :- ડાયાબિટીસ થવાનાં અનેક કારણો છે. જેમાં દર્દીને વારસાગત બીમારી મળે, અંતઃસ્ત્રાવી ગ્રંથિના કારણે હોર્મોન્સમાં થતા ફેરફારોને લીધે, અતિ મેદસ્વીપણું, દર્દીનું બેઠાળુ જીવન, પ્રમાદી અને આળસ, માનસિક વ્યગ્રતા, સતત ગળ્યું ખાવું, નાનપણમાં વધુ ગળ્યો આહાર લેવો વગેરેનાં કારણે દર્દી આ અંગેનો ભોગ બને છે.

અટકાવવાના ઉપાયો :-

* દર્દીએ વજન ઘટાડવું.

* બાળકોને ગળ્યા પદાર્થોથી દૂર રાખવા.

* વ્યાયામ અને કસરતને સ્થાન આપવું.

* નાના બાળકને એક વર્ષ સુધી બહારનું દૂધ ન આપવું.

આ ઉપરાંત ફળ, શાકભાજીનાં રસ, સલાડ, વગેરે લેવા. આવા દર્દીઓએ હંમેશા ખુશ રહેવું. તણાવમાં ન રહેવું. ભોજન લીધા પછી પરિશ્રમ ન કરવો પણ થોડો આરામ કરવો. આઈસક્રીમ, તળેલાં પદાર્થો, ઘી-ચીઝ વગેરે ન લેવા.

આપણા દેશમાં આ રોગની ખતરનાક અસર છે. તેને સાઇલન્ટ ક્લિર તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં દર સેકંડે એક વ્યક્તિ આ રોગથી મરણ પામે છે.

આ હવે રાજરોગ રહ્યો નથી. નાના બાળકથી માંડીને કોઈને પણ રોગ થઈ શકે છે. રાજા-રંક, નાના-મોટાં સહુ આ રોગનો શિકાર બને છે.

દર્દી જો શુગરને નિયંત્રણમાં રાખે તો તે લાંબુ આયુષ્ય જીવી શકે છે. તેની સાથે તેણે જીભ પર કંટ્રોલ રાખવો. રોજના ત્રણથી ચાર કિ.મી. ચાલવું, કારેલા, મેથીનો રસ પીવો. તેનાથી શુગર કાબૂમાં રહેશે અને રોગને કાબૂમાં રાખી શકાશે.

આ રોગના દર્દીએ જખમથી બચવું. એકવાર ઘા કે ઈજા થાય તો સહેલાઈથી રૃઝ આવતી નથી. તેના પરિણામે તે અંગ સડી જતા કાઢી નાખવાની શક્યતા વધે છે અને દર્દી મૃત્યુ પામે છે. ડાયાબિટીસ વધતા કિડની ફેઈલ થવાની શક્યતા રહે છે. દર્દી કોમામાં પણ જતો રહે છે.

આમ ભારતમાં આ રોગનો ફેલાવો જોતાં તેને નિયંત્રણમાં રાખવા સંયમિત જીવન જીવવું. કસરત કરવી, વ્યાયામ કરવો અને રોજનાં ત્રણથી ચાર કિ.મી. ચાલવાથી આ રોગને કાબૂમાં રાખી શકાય છે.

No comments:

Post a Comment